એક નજર આ તરફ

Discussion in 'Members Corner' started by VIP, Feb 23, 2014.

 1. VIP

  VIP Ultra Nationalist Senior Member

  Joined:
  Mar 22, 2012
  Messages:
  5,125
  Likes Received:
  4,480
  Location:
  Gandhinagar
  ભારતીય સેના દિવસ/Indian Army Day નિમિત્તે ગઇ પંદરમી જાન્યુઆરીએ નવી દિલ્લીમાં સેનાસચિવના ઓફિશ્યલ બંગલે રાબેતા મુજબ At-Home તરીકે ઓળખાતી ભવ્ય મિજબાનીનું આયોજન કરાયું. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ ખુશ્કીદળના વડા અફસરો મિજબાની માણી રહ્યા હતા ત્યારે લશ્કરી યુનિફોર્મમાં સજ્જ કેપ્ટન બન્નાસિંહ નામના આમંત્રિત VVIP મહેમાન બંગલાના ઝાંપે ઊભા હતા. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ/SPGના જવાનોએ તેમજ દિલ્લી પુલિસે તેમને ત્યાં રોકી રાખ્યા હતા અને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવી દીધી હતી. સુરક્ષાકર્મીઓને કેપ્ટન બન્નાસિંહે પોતાની ઓળખાણ આપી, યુનિફોર્મ પર લાગેલાં શૌર્યપ્રતીક સમાં મેડલ્સ બતાવ્યાં, At-Home મિજબાનીમાં આવવા તેમને આમંત્રણ મળ્યું હોવાનું પણ જણાવ્યું. આમ છતાં બધા પ્રયાસ વ્યર્થ નીવડ્યા. SPGના જવાનોએ તેમજ પુલિસે લગીરે મચક ન આપી. અડધો-પોણો કલાક ચાલેલી રકઝકના અંતે કેપ્ટન બન્નાસિંહ થાક્યા. ભગ્નહ્દયે તેઓ ઝાંપેથી વિદાય લઇ રહ્યા હતા, પણ સદભાગ્યે બન્યું એવું કે કેબિનેટ મંત્રી ડો. ફારુક અબ્દુલ્લાની નજર તેમના પર પડી. કેપ્ટન બન્નાસિંહને તેમણે ઓળખી લીધા, કેમ કે બેઉ વચ્ચે અગાઉ ઘણી વખત રૂબરૂમાં મુલાકાત થઇ હતી. સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા VVIP મહેમાનને ડો. અબ્દુલ્લા આખરે બંગલાની અંદર દોરી ગયા.

  ભલું થાય ડો. અબ્દુલ્લાનું કે જેમની નજર કેપ્ટન બન્નાસિંહ પર પડી, નહિતર સેનાસચિવના બંગલે સુરક્ષાકર્મીઓ દ્વારા અવહેલના પામેલા એ નિવૃત્ત ફૌજીએ ઘરભેગા થવું પડ્યું હોત. ભારત માટે એ ઘટના ઓર શરમજનક લેખાત, કેમ કે કેપ્ટન બન્નાસિંહ સામાન્ય ફૌજી ન હતા. પરમવીર ચક્ર વિજેતા હતા. સિયાચીનના મોરચે ૧૯૮૭માં તેમણે પાક હસ્તકની મહત્ત્વપૂર્ણ ચોકીઓ જાનના જોખમે પાછી મેળવી હતી. આ ચોકીઓ ભારતે ગુમાવી હોત તો સિયાચીન પણ ભારતે ગુમાવવું પડ્યું હોત. વીસ હજાર ફૂટ ઊંચેના યુદ્ધમોરચે બન્નાસિંહે જે અપ્રતીમ સાહસ દાખવ્યું તે બદલ પરમવીર ચક્રનો સર્વોચ્ચ ખિતાબ તેમને એનાયત કરાયો હતો. આ ખિતાબની ગરિમા જાળવવી દરેક દેશવાસીની નૈતિક ફરજ હોવા છતાં SPGના જવાનો તેમજ દિલ્લી પુલિસ એ ફરજ ચૂક્યા. માનો કે પરમવીર કેપ્ટન બન્નાસિંહનો તેમને પરિચય ન હતો, પણ એ રિટાયર્ડ ફૌજીના યુનિફોર્મ પર લાગેલાં પરમવીર ચક્ર સહિતનાં સંખ્યાબંધ લશ્કરી મેડલ્સની ઓળખાણ તેમને ન પડે એ કેવું ? મેડલ્સનો અક્ષમ્ય અનાદર તેમણે કર્યો.

  [​IMG]

  આ પ્રસંગથી બિલકુલ વિપરિત એવી એક ઘટના થોડીક પૂર્વભૂમિકા સાથે અહીં ટાંકવાનું મન થાય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી ભારતના અનેક જવાનો લડ્યા હતા, જે પૈકી કુલ ૨૮ ભારતીય સૈનિકોને તેમના સાહસ બદલ બ્રિટિશ તાજે વિક્ટોરિયા ક્રોસ કહેવાતા સર્વોચ્ચ લશ્કરી ખિતાબ વડે નવાજ્યા. આવા એક ભારતીય ફૌજી બીજા વિશ્વયુદ્ધમાં મ્યાનમારના મોરચે જાપાનીઓ સામે જોશભેર લડેલા હવાલદાર ઉમરાવ સિંહ હતા, જેમને ઓક્ટોબર ૧૫, ૧૯૪૫ના રોજ રાજા પંચમ જ્યોર્જે લંડનના બકિંગહામ પેલેસમાં ભારે દબદબા હેઠળ વિક્ટોરિયા ક્રોસ એનાયત કર્યો. વાર્ષિક ૧૬૮ પાઉન્ડનું પેન્શન પણ શરુ કરાવ્યું. (પેન્શનની રકમ વખત જતાં ૧,૩૦૦ પાઉન્ડ થવાની હતી). વાત અહીં પૂરી ન થઇ, બલકે બ્રિટને હવાલદાર ઉમરાવ સિંહ સાથેના લાગણીભર્યા સંબંધોને ઓર આગળ વધાર્યા. જર્મની સામે વિજય મેળવ્યાની ખુશાલીમાં બ્રિટને ૧૯૪૫ પછી લંડનના વેસ્ટમિન્ટર્સ એબી ખાતે વાર્ષિક જે લશ્કરી મિજબાનીઓનું આયોજન કર્યું તે દરેકમાં હવાલદાર ઉમરાવ સિંહને માનપૂર્વક આમંત્રિત કરાતા હતા. બ્રિટનના વિજયદિનની પચાસમી જયંતિ નિમિત્તે ૧૯૯૫માં યોજાયેલી મિજબાની વખતે બન્યું એવું કે વેસ્ટમિન્ટર્સ એબીના ભવ્ય મકાનની સામેના કાર પાર્કિંગથી પગપાળા ચાલીને ૮૦ વર્ષના ઉમરાવ સિંહ રસ્તો પાર કરી રહ્યા હતા ત્યાં બ્રિટનના શાહીકુટુંબનો મોટરકાફલો આવી ચડ્યો. કાફલાની મોટરો નિયત માર્ગે આગળ વધવાને બદલે ઓચિંતી થંભી. એક મોટરમાંથી શાહીકુટુંબના સભ્યો બહાર નીકળ્યા અને હવાલદાર ઉમરાવ સિંહને માનભરી સેલ્યૂટ કરી. થોડી ક્ષણો બાદ બીજી મોટરકારમાંથી બ્રિટનના નાયબ વડા પ્રધાન બહાર આવ્યા. ઉમરાવ સિંહ તરફ તેઓ ગયા અને કહ્યું, ‘Sir, may I have the privilege of shaking hand with the Victoria Cross winner?’. શાહીકુટુંબના સભ્યોને કે પછી નાયબ વડા પ્રધાનને ઉમરાવ સિંહ જોડે ખાસ પરિચય નહિ, પરંતુ એ ફૌજીની છાતી પર શોભતો વિક્ટોરિયા ક્રોસ તેમને માટે અજાણ્યો ન હતો. આ સર્વોચ્ચ ખિતાબની ગરિમા તેમણે પૂરા શિસ્તપૂર્વક જાળવી.

  આ જાતનું વાતાવરણ આપણે ત્યાં ક્યારે સર્જાશે ? ઘણી બધી બાબતોમાં આપણે પશ્ચિમી દેશોનું અનુકરણ કર્યું, તો વીર અને વીરગતિ પામેલા સપૂતોનું યોગ્ય મૂલ્યાંકન કરવાની બ્રિટન-અમેરિકા જેવા દેશોની શિસ્તબદ્ધ પરંપરાનું અનુકરણ કેમ કરાતું નથી ? કોણ જાણે ! પરંતુ એટલું ખરું કે આવું અનુકરણ નહિ થાય તો ફિલ્મસ્ટારોના અને ક્રિકેટરોના આપણા દેશમાં પરમવીર કેપ્ટન બન્નાસિંહ અને તેમના જેવા સપૂતો ભુલાઇ જવાના છે.


  એક નજર આ તરફ...: ઇતિહાસ રચીને ઇતિહાસ બની રહેલા ભારતના સપૂતો
   
  aragorn and Ankit Purohit like this.
 2.  

Share This Page